સામ્યવાદી પોલીસે મૂર્તિને ઉદ્યોગપતિ બનાવી દીધા
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે.કલામે તાજેતરમાં 'ઇન્ફોસીસ'ના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું : ''નારાયણ મૂર્તિ શા માટે ભારતના રાષ્ટ્રપતિ નહીં ? આ પદ માટે નારાયણમૂર્તિથી વધુ યોગ્ય વ્યક્તિ બીજુ કોણ હોઈ શકે ?"

આ દેશમાં બે પ્રકારના ધનવાનો છે. એક પ્રકારના ધનવાનો રાજકારણીઓની મદદથી પ્રજાની જમીનો, ખાણ-ખનિજ અને દેશની કુદરતી સંપદા લૂંટીને પૈસાદાર બન્યા છે. પૈસાદાર બન્યા પછી હજારો કરોડની કિંમતના ઘર બનાવે છે. મહિને છ લાખનું વીજળીનું બીલ ભરે છે. સંતાનોને હરવા ફરવા માટે ખાનગી સ્પેશિયલ વિમાન રાખે છે. આવા 'ફોર્ચ્યુન' ની પ્રાપ્તી માટે તેમણે કોઈને કોઈ 'ક્રાઈમ' કર્યો છે. બીજી બાજુ કેટલાક ધનવાનો એવા છે જેઓ પોતાની બુદ્ધિ અને કૌશલ્યથી ધનવાન બન્યા છે. તેમણે સમાજને કાંઇને કાંઈ આપ્યું છે. અમેરિકામાં બિલ ગેટ્સએ વિશ્વને 'માઇક્રોસોફટ' આપ્યું. સ્ટીવ જોબ્સએ 'એપલ' આપ્યું. તેમ ભારતમાં નારાયણમૂર્તિએ 'ઇન્ફોસીસ' પ્રદાન કર્યું. બુદ્ધિથી અઢળકી કમાણી કરવા છતાં તેઓ બેંગ્લોરના એક સામાન્ય મકાનમાં રહે છે. ઘરમાં નોકર-ચાકરોની ફોજ રાખતા નથી. એકવાર સરકારે તેમને સુરક્ષા પ્રદાન કરવા કોશિશ કરી તો તેમણે ઇન્કાર કરી દીધો. તેઓ જે કાંઈ કમાયા છે તે મહેનત કરીને કમાયા છે. દેશની સંપત્તિ લૂંટીને નહીં. રૂ.૧૦ હજારની મૂડીથી શરૂ કરેલી તેમની કંપની 'ઇન્ફોસિસ' આજે દોઢ અબજ ડોલરની બની ગઈ છે. આટલુ બધુ કર્યા પછી પણ રતન તાતા જેમ નિવૃત્ત થઇ ગયા તેમ નારાયણમૂર્તિ પણ ગયા વર્ષે જ કંપનીના ચેરમેનપદેથી નિવૃત્ત થઇ ગયા. આ દેશમાં રાજકારણીઓને જ નિવૃત્તિ જોઇતી નથી.

ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે રશિયાના પ્રેસીડેન્ટ વ્લાદીમીર પુતિને નારાયણમૂર્તિને તેમના દેશમાં 'ઇન્ફોસિસ' ની શાખા શરૂ કરવા વિનંતી કરી હતી. આજે વિશ્વના ૨૯ દેશોમાં તેમની ઓફિસો છે. ૮૫ જેટલી રાષ્ટ્રીયતા ધરાવતા દોઢ લાખ કર્મચારીઓને તેમની કંપની રોજી આપે છે.

આજની યુવા પેઢી માટે પ્રેરણારૂપ નારાયણ મૂર્તિનો જન્મ તા.૨૦ ઓગસ્ટ, ૧૯૪૬ના રોજ મૈસુરના એક સ્કૂલ ટિચરના ઘેર થયો હતો. તેમના પિતાનું માસિક વેતન રૂ.૨૫૦ હતું. આ પગાર દ્વારા તેઓ તેમના સંતાનોને એશ આરામની જિંદગી આપી શકે તેમ નહોતા. આ કારણથી ૧૨મું પાસ કર્યા બાદ નારાયણમૂર્તિની આઈઆઈટીમાં પસંદગી થવા છતાં તેઓ પ્રવેશ લઈ શક્યા નહોતા. એથી તેઓ મૈસુર યુનિવર્સિટીમાં ભણવા ગયા અને ઇજનેરી વિદ્યાશાખામાં ભણ્યા. તે પછી માસ્ટર ડિગ્રી લીધા બાદ આઈઆઈટી, કાનપુરમાં ભણવા ગયા. આ સંસ્થાએ તેમને ભવિષ્યના રોલ માટે તૈયાર કર્યા. અહીં જ તેમની ઇન્ફર્મેશન ટેકનોલોજી માટે રુચિ વધી.

આઈઆઈટી, કાનપુરના કેમ્પસમાં પ્લેસમેન્ટ દરમિયાન આઈઆઈએમ, અમદાવાદ, એચએમટી, ઇસીઆઈએલ, ટેલ્કો અને એર ઇન્ડિયામાં નોકરી માટે પ્રયાસ કર્યો. આ બધી સંસ્થાઓએ તેમને મોટા વેતનની ઓફર કરી, પરંતુ નારાયણ મૂર્તિએ માસિક રૂ.૮૦૦ના જ પગારવાળી આઈઆઈએમ અમદાવાદની નોકરી સ્વીકારી. આ ઓફર સ્વીકારવાનું કારણ હતા અહીંના પ્રો. કૃષ્ણય્યા. નારાયણમૂર્તિ પ્રો. કૃષ્ણય્યાથી બહુ જ પ્રભાવિત હતા. મૂર્તિ તેમનાથી એટલા બધા પ્રભાવિત હતા કે તેઓ રાતના ત્રણ વાગ્યા સુધી કામ કરતા હતા અને સવારે છ વાગે ઓફિસ પહોંચી જતા હતા. એ સમય ઇન્ફર્મેશન ટેકનોલોજીના યુગના આરંભનો ગાળો હતો. તેથી મહેનત કરવામાં અને શીખવામાં તેમણે કોઈ કમી રાખી નહીં.

અમદાવાદ પછી કેટલોક સમય તેઓ વિદેશમાં રહ્યા. વિદેશમાં એક એવી ઘટના ઘટી કે જેના કારણે તેમની ડાબેરી વિચારો અંગેનો અભિપ્રાય બદલાઇ ગયો અને મૂર્તિને મૂડીવાદી વિચારસરણી તરફ ઝૂકવા ફરજ પાડી દીધી. ૧૯૪૭ની એક ઘટનાએ તેમનુ જીવન અને વિચારધારા બેઉ બદલી નાંખ્યા. તે વખતે તેઓ સાઈબીરીયાથી બલ્ગેરિયા જઇ રહ્યા હતા. તેઓ રાત્રે ૯ વાગે નિસ રેલવે સ્ટેશન પહોંચ્યા. રેસ્ટાંરાં બંધ હતાં. બેંકો બંધ હતી. તેમની પાસે સ્થાનિક ચલણ નહોતું. તેથી સ્ટોર્સમાંથી ખાવાનું ખરીદી શક્યા નહીં. રાત પ્લેટફોર્મ પર જ ગુજારી. બીજા દિવસે સવારે સોફિયા એક્સપ્રેસથી બલ્ગેરિયા જવા નીકળ્યા. ડબ્બામાં એક છોકરો અને છોકરી પણ બેઠેલાં હતા. નારાયણમૂર્તિ તેમની સાથે ફ્રેન્ચ ભાષામાં વાત કરવા લાગ્યા. એ છોકરી તેમના દેશમાં ભોગવવી પડતી મુશ્કેલીની વાત કહી રહી હતી. એ દરમિયાન એક પોલીસવાળાએ તેમને વાત કરતા રોક્યાં. પોલીસવાળાને લાગ્યુ કે તેઓ બલ્ગેરિયાની કમ્યુનીસ્ટ સરકારની ટીકા કરે છે. પોલીસ નારાયણમૂર્તિને જાસૂસ સમજવા લાગી. કેટલીકવાર બાદ પોલીસે છોકરીને છોડી દીધી પરંતુ નારાયણમૂર્તિનો સામાન જપ્ત કર્યો. નારાયણમૂર્તિને એક રૂમમાં પકડીને પૂરી દેવામાં આવ્યા. એક નાનકડા રૂમમાં નારાયણમૂર્તિને ખાધા પીધા વીના ૭૨ કલાક પૂરી રાખ્યા. બીજા દિવસે દરવાજો ખૂલ્યો. તેમને ઘસડીને બહાર લઈ જવામાં આવ્યા. એક ટ્રેનનાડબ્બામાં ફરી પૂરી દેવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે, "તમને ઈસ્તંબુલ મોકલી દેવામાં આવે છે. ૨૦ કલાક પછી તમને છોડી મૂકવામાં આવશે." ટ્રેનના ગાર્ડે કહ્યું : "તમે મિત્ર દેશના નાગરિક છો માટે તમને મુક્ત કરવામાં આવ્યા છે."

નારાયણમૂર્તિ કહે છે : પૂરા ૨૦ કલાક બાદ હું ઇસ્તંબુલ પહોંચ્યો. ગાર્ડના એ શબ્દો આજે પણ મારા કાનમાં ગુંજે છે. હું ઈસ્તંબુલ પહોંચ્યો ત્યારે ખૂબજ ભૂખ્યો હતો. પરંતુ ટ્રેનના ગાર્ડના એ શબ્દોએ મને એક ભ્રમીત કમ્યુનીસ્ટમાંથી દૃઢ મૂડીવાદી બનવા મજબૂર બનાવી દીધો. મેં વિચાર્યું કે ગરીબી દૂર કરવાનું એકમાત્ર સાધન ઉદ્યમ અને ઉદ્યોગ જ છે, જેની મદદથી હજારોને રોજી આપી શકાય.

ભારત પાછા આવી તેમણે "સોફટોનિક્સ" નામની કંપની કરી પણ તે ચાલી નહીં. તે પછી મુંબઈની પટણી કંપનીમાં કોમ્પ્યુટરની નોકરીની શરૂઆત કરી. આ કંપનીના માલિકો સાથે તેમને ફાવ્યું નહીં અને નોકરી છોડી દીધી. તેમનો અંદરનો આત્મા ઉદ્યમી હતો. તેઓ હવે પોતાની 'સોફટવેર' કંપનીની શરૂઆત કરવા માંગતા હતા. પણ તેમની પાસે મૂડી નહોતી. એ વખતે તેમના પત્ની સુધા મૂર્તિ તેમની મદદે આવ્યાં. એ વખતે સુધા મૂર્તિ તાતાની એક કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. સુધા મૂર્તિ પાસે માત્ર રૂ.૧૦ હજારની રકમની બચત હતી. આ રકમ તેમણે કંપની શરૂ કરવા પતિને આપી દીધી. નારાયણ મૂર્તિએ તેમના છ સાથીઓ નંદન નિલેકાણી, એન.એસ. રાઘવન, એસ. ગોપાલકૃષ્ણન, એસ.ડી. શીબૂલાલ, કે. દિનેશ અને અશોક અરોડાની મદદથી ૧૯૮૧માં ''ઈન્ફોસિસની સ્થાપના કરી. બસ, તે પછી તેમનાં સ્વપ્નો સાકાર થવાની સફર શરૂ થઈ. મુશ્કેલી એ હતી કે એ વખતે દેશના આર્થિક ઉદારીકરણ હજુ શરૂ થયું નહોતું. ૧૯૮૧માં તેમની કંપની શરૂ થઈ પરંતુ છેક ૧૯૮૪માં તેમને પહેલું કોમ્પ્યુટર મળ્યું. ધંધા માટે લોનની પણ તકલીફ હતી. દેશની મોટી મોટી બેંકોએ તેમને લોન આપવા ઇન્કાર કરી દીધો, પરંતુ નારાયણમૂર્તિ હિંમત હાર્યા નહીં. તેઓ કર્ણાટક સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસે ગયા. આ સંસ્થાએ તેમને જરૂરી લોન આપી.

ઇન્ફોસિસને પહેલો કોન્ટ્રાક્ટ ન્યૂયોર્કની 'ડેટાબેસિકસ' દ્વારા મળ્યો હતો એ કંપની ચાહતી હતી કે ઇન્ફોસિસ સાથે સતત સંપર્ક માટે એક અલગ ટેલિફોન કનેકશન મેળવી લે. આ સુવિધા પ્રાપ્ત કરતાં મૂર્તિને એ સમયે એક વર્ષ લાગ્યું. તે પછી બધુ બરાબર થઇ ગયું. 'ઇન્ફોસિસ' કંપનીની પ્રગતિ જોઇ કેટલીક કંપનીઓએ તેને ખરીદી લેવા મોટી રકમની ઓફર કરી. મૂર્તિ સિવાય બીજા બધા સંસ્થાપકો 'ઇન્ફોસિસ' વેચી દેવાનો અભિપ્રાય ધરાવતા હતા. મૂર્તિને પોતાનું સ્વપ્ન તૂટતું જોવું નહોતું. તેમણે કંપની નહીં વેચવા માટે સાથીઓને મનાવી લીધા. કંપની ઉચ્ચતમ સફળતા હાંસલ કરતી ગઇ. ૧૯૯૯માં ઇન્ફોસિસ અમેરિકી સ્ટોક એક્ષચેન્જ નાસ્ડેકમાં લિસ્ટેડ કંપની બની ગઇ. આ મુકામ પર પહોંચવાવાળી એ પહેલી ભારતીય કંપની હતી.

આ દરમિયાન નારાયણ મૂર્તિએ એક વધુ પડકારનો સામનો કરવો પડયો. 'ઇન્ફોસિસ'ના કર્મચારીઓ બીજી કંપનીઓ તરફથી આવતી ઊંચા વેતનોની ઓફર્સના કારણે તે બધા મલ્ટીનેશનલ કંપનીઓમાં જવા માંગતા હતા. પોતાના કર્મચારીઓ મલ્ટીનેશનલ કંપનીમાં જતા ના રહે તે હેતુથી નારાયણમૂર્તિએ તેમના કર્મચારીઓને પોતાની જ કંપનીમાં ભાગીદાર બનાવવા નિર્ણય કર્યો. દેશમાં ઇન્ફોસિસ જ એક એવી પહેલી કંપની હતી જેણે પોતાના કર્મચારીઓ માટે સ્ટોક ઓપ્શન પ્લાન શરૂ કર્યો. તેમની એ યોજના સફળ થઈ. કંપનીની સદ્ધરતાના ભાગીદાર તેમણે કંપનીના કર્મચારીઓને પણ બનાવ્યા. રૂ.૧૦ હજારની મૂડીથી શરૂ થયેલી આ કંપનીની વિશ્વના ૨૯ દેશોમાં ઓફિસો છે અને તે ૮૫ જેટલી રાષ્ટ્રીયતા ધરાવતા દોઢ લાખ કર્મચારીઓને રોજી આપે છે. આ કંપની આજે અબજોનું આર્થિક સામ્રાજ્ય ધરાવે છે. નારાયણમૂર્તિને ૨૦૦૮માં પદ્મવિભૂષણનો ખિતાબ મળ્યો. ૨૦૧૧માં સીએનબીસી અને ફોર્બ્સએ તેમને 'લાઇફટાઇમ એચિવમેન્ટ' એવોર્ડ બક્ષ્યો.

નારાયણમૂર્તિ કહે છે : 'મારી સફળતાનો મંત્ર છે : રાત્રે જલ્દી સુઇ જાવ, સવારે વહેલા જાગો અને ખૂબ મન લગાવીને કામમાં ડૂબી જાવ." નારાયણમૂર્તિના જીવન અને તેમણે જોયેલા મોટા સ્વપ્નમાંથી નવી પેઢીએ ઘણું શીખવા જેવું છે.